સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા ગુણાતીત નગર ખાતે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. અહીં ગણેશ આરતીના પાવન પ્રસંગ અગાઉ નહાવા માટે બાથરૂમમાં ગયેલી 15 વર્ષીય તરુણી પ્રિયમ વરિયાનું કરુણ મોત નીપજ્યું હતું. તહેવારના માહોલ વચ્ચે અચાનક બનેલી આ ઘટનાથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં શોકની કાળી ડિબંગ છાયા વ્યાપી ગઈ હતી.

વેન્ટિલેશન વગરના બાથરૂમમાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરાયો

ઘટનાની મળતી વિગતો અનુસાર, બાથરૂમની અંદર જ ગેસ ગીઝર લગાવેલું હતું. બાથરૂમની બારીઓ સંપૂર્ણપણે બંધ હતી અને ત્યાં એક્ઝોસ્ટ ફેન કે વેન્ટિલેશનની કોઈ સુવિધા ઉપલબ્ધ નહોતી. બંધ બાથરૂમમાં ગેસ ગીઝર ચાલુ હોવાને કારણે તેમાંથી નીકળતો અતિ ઝેરી કાર્બન મોનોક્સાઈડ ગેસ એકઠો થઈ ગયો હતો. આ ઝેરી ગેસના કારણે શ્વાસ રુંધાવાથી માસૂમ તરુણી પ્રિયમ બાથરૂમની અંદર જ બેભાન થઈને ઢળી પડી હતી.

દરવાજો તોડી હોસ્પિટલ ખસેડાઈ, તબીબોએ મૃત જાહેર કરી

તરુણી નહાવા ગયા બાદ દોઢ કલાક સુધી બહાર ન આવતાં અને વારંવાર દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં ચિંતિત પરિવારે દરવાજો તોડ્યો હતો. પ્રિયમ બેભાન હાલતમાં મળી આવતાં તેને તાત્કાલિક સુરતની કિરણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ફોરેન્સિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બંધ જગ્યામાં કાર્બન મોનોક્સાઈડ વાયુ સીધો ફેફસાં અને રક્તમાં ભળી જતો હોવાથી વ્યક્તિને સ્વબચાવનો ખ્યાલ આવે તે અગાઉ જ ગૂંગળામણથી મોત નીપજે છે.

આ પણ વાંચો : Ahmedabadના સીજી રોડ પર સ્માર્ટ 'ફ્લેપ પાર્કિંગ' સિસ્ટમ ફ્લોપ, નિયમો ધૂળધાણી, QR સ્કેન વિના જ થતું પાર્કિંગ