સુરતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ બનાવીને લાઈક્સ અને વ્યુઝ મેળવવાની ઘેલછામાં 1 મિલિયન (10 લાખ) ફોલોઅર્સ ધરાવતી જાણીતી મહિલા ઇન્ફ્લુએન્સર જેલના સળિયા પાછળ પહોંચી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અનાદર અને અપમાન કરતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર સુરતની ઇન્ફ્લુએન્સર સિમરન અમિત પટેલની સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ધરપકડ કરી લીધી છે.

રૂ.500ની નોટ સાથે બિભત્સ ચેડાં કરી વાંધાજનક રીલ બનાવી હતી

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી મહિલા સિમરન અમિત પટેલે ભારતીય ચલણી નાણાં એટલે કે રૂ.500ની નોટ પર છપાયેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટા સાથે બિભત્સ અને વાંધાજનક ચેડાં કરીને એક રીલ બનાવી હતી. ત્યારબાદ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર અપલોડ કર્યો હતો, જે ટૂંક સમયમાં વાયરલ થતાં લોકોમાં અને દેશપ્રેમીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

સમાજસેવી ધર્મેશ ગામીની ઉમરા પોલીસ મથકે ફરિયાદ બાદ સપાટો

મહાત્મા ગાંધીજી અને રાષ્ટ્રીય પ્રતિકના આ પ્રકારે કરાયેલા અપમાન અંગે સુરતના સ્થાનિક સમાજસેવી ધર્મેશ ગામીના ધ્યાને આવતાં તેમણે આ બાબતને ગંભીરતાથી લીધી હતી. ધર્મેશ ગામી દ્વારા સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં આરોપી મહિલા સિમરન પટેલ વિરૂદ્ધ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે તપાસ હાથ ધરીને સુરત સાયબર ક્રાઇમ સેલે આરોપી મહિલાની અટકાયત કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Ahmedabadમાં બાળક ચોરતી ગેંગનો પર્દાફાશ, 1 માસના બાળકનું અપહરણ કરનાર મહિલા સહિત 3 લોકો જેલભેગા