સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં ઓનલાઈન સાયબર ક્રાઈમ અને બ્લેકમેલિંગનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સ્થળ પર ડાન્સ ક્લાસ ચલાવતા ડાન્સ ટીચર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ઓનલાઈન હનીટ્રેપની જાળમાં ફસાઈ જતાં મોટી આર્થિક છેતરપિંડીનો ભોગ બન્યા છે. અજાણી મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવ્યા બાદ ન્યૂડ વીડિયો કોલિંગ દ્વારા શિક્ષકને પોતાની જાળમાં ફસાવી લીધા હતા અને કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું.
નકલી DCP બની વીડિયો ડિલીટ કરવાના નામે રૂ.1.33 લાખ પડાવ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિત ડાન્સ ટીચરને 'પૂજા કુમારી' નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મેસેજ આવ્યો હતો. વાતચીત વધ્યા બાદ આરોપીઓએ ન્યૂડ વિડીયો કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું અને તેને વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સંજય સિંહ નામના એક શખ્સે પોતાની ઓળખ ઉચ્ચ પોલીસ અધિકારી (DCP) તરીકે આપી હતી અને વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવવાના બહાને ડાન્સ ટીચર પાસેથી તબક્કાવાર રૂ.1.33 લાખની માતબર રકમ પડાવી લીધી હતી.
