સુરત શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી નકલી ચલણી નોટોનું વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઇન્સ્ટાગ્રામ (Instagram) પર "નકલી નોટ લેને કે લિયે સંપર્ક કરે" નામની જાહેરાત જોઈને સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતો રમેશ ઉર્ફે જીગા લૌહાર નામનો યુવક આસામ પહોંચ્યો હતો. આરોપીએ 1 અસલી નોટ સામે 3 નકલી નોટ મેળવવાની લાલચમાં આવીને રૂ.30,000 ની અસલી ચલણી નોટો આપીને રૂ.1,00,000 ની ફેસ વેલ્યુ ધરાવતી રૂ.500 ના દરની 200 નકલી નોટો ખરીદી હતી.
દેવધ ચાર રસ્તા પાસેથી ઝડપાયો આરોપી
આસામથી નકલી નોટોનો જથ્થો લઈને સુરત પહોંચેલો આરોપી આ નોટો બજારમાં વટાવે તે પહેલાં જ ગોડાદરા પોલીસને ચોક્કસ બાતમી મળી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દેવધ ચાર રસ્તા પાસેથી રમેશ ઉર્ફે જીગા લૌહારને દબોચી લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી રૂ.500 ના દરની 165 બનાવટી ચલણી નોટો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. 82,500 થાય છે.
