સુરત શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતની હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. શહેરના વરીયાવ બ્રિજ નીચે તાપી નદીના પાળે એક પરિણીત પ્રેમીયુગલે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પહેલાં પ્રેમી અને બાદમાં પ્રેમિકાનું પણ કરુણ મોત નીપજતાં પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

બંને પરિણીત અને સંતાનવાળા હતા

મૃતકોની ઓળખ ઉત્રાણ ખાતે રહેતા પરેશ ચૌહાણ અને વરાછા વિસ્તારની 29 વર્ષીય પરિણીતા તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, બંને એક જ જગ્યાએ સાથે કામ કરતાં હોવાના કારણે તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને પરિણીત હતા અને તેમને સંતાનો પણ છે. ઘટનાના દિવસે મહિલા મોડી રાત સુધી ઘરે ન પહોંચતાં પતિએ તેના ફોન પર સંપર્ક કર્યો હતો. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે ફોન ઉપાડીને બંને વરીયાવ બ્રિજ પાસે બેભાન હાલતમાં પડ્યા હોવાની વિગતો આપી હતી.

મનદુઃખના કારણે પગલું ભર્યાની આશંકા

આ ઘટના અંગે જાણ થતાં જ સિંગણપોર પોલીસ મથકની ટુકડી ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પ્રાથમિક આશંકા મુજબ, પ્રેમીયુગલ વચ્ચે કોઈ બાબતે મનદુઃખ અથવા અણબનાવ થતાં તેમણે આ આકરું અંતિમ પગલું ભરી લીધું હતું. સિંગણપોર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Khedaમાં દર્દનાક માર્ગ અકસ્માત, નડિયાદ-ઉત્તરસંડા રોડ પર ST બસ નીચે બાઈક આવી જતાં યુવકનું કરૂણ મોત