સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે, જ્યાં સામાન્ય બાબતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. ફરિયાદી અને તેના ભાઈ સાથે ગાડી ઉભી રાખવા બાબતે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ જાહેરમાં જ તેમના ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો અને બેરહેમીપૂર્વક ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસ તંત્ર સામે પણ સવાલો ઉભા થયા હતા.
પાંડેસરા પોલીસની ત્વરિત કાર્યવાહી, બે સગીર સહિત ચાર ઝડપાયા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પાંડેસરા પોલીસે તાત્કાલિક ધોરણે ચક્રો ગતિમાન કર્યા હતા અને વાયરલ વીડિયોના આધારે હુમલો કરનાર મુખ્ય આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી. પોલીસે આ પ્રકરણમાં કડક કાર્યવાહી કરીને બે સગીર સહિત કુલ ચાર આરોપીઓને દબોચી લીધા છે. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની આ યુક્તિપૂર્વકની અને ઝડપી કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
