સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં રહેતા અને કાપડનો વેપાર કરતા એક વેપારી સાયબર ઠગોની જાળમાં ફસાયા છે. ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતર અને મોટા નફાની લાલચ આપીને અજાણ્યા સાયબર ક્રિમિનલે વેપારી પાસેથી તબક્કાવાર રૂ. 58 લાખની માતબર રકમ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી ઓનલાઈન ઠગાઈ આચરી છે.
ટેલિગ્રામ પર 'શ્રુતિ શેટ્ટી' નામે સંપર્ક કરી જાળ પાથરી
ઘટનાની વિગત મુજબ, ફરિયાદી કાપડ વેપારીનો ટેલિગ્રામ એપ્લિકેશન પર 'શ્રુતિ શેટ્ટી' નામની એક યુવતીએ સંપર્ક કર્યો હતો. સાયબર ઠગે પોતાની જાળમાં ફસાવવા માટે વેપારીને ફોરેક્સ ટ્રેડિંગમાં નાણાંનું રોકાણ કરવાથી ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની મોહક લાલચ આપી હતી. વેપારી ઠગની વાતોમાં આવી ગયા હતા અને અતિશય નફો કમાવવાની આશામાં આરોપીએ દર્શાવેલા અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં અલગ અલગ રીતે કુલ રૂ. 58 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા.
