સુરત શહેરમાં સાયબર અપરાધો સામે લડતી સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એક અત્યંત મોટું અને ભેજાબાજ રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. વીમા પોલિસી ધારકોને ફોન કરીને અથવા સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને લાખો રૂપિયા ખંખેરતી એક ઠગ ગેંગનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં અંદાજે રૂ. 1.50 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઈમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કાર્યવાહી કરીને આ રેકેટના ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
વીમા લોકપાલ બની 15 પોલિસીઓ લેવડાવી
તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ આરોપીઓ ગ્રાહકોને ફોન કરીને પોતાને વીમા લોકપાલ (Insurance Ombudsman) અથવા વીમા નિયમનકારના અધિકારીઓ તરીકે ઓળખાવતા હતા. ગ્રાહકોને જુદી-જુદી બાનમાં અથવા પોલિસી પર વધુ રિટર્ન અપાવવાની લાલચ આપીને તેમની પાસેથી અંદાજે 15 જેટલી અલગ-અલગ પોલિસીઓ બળજબરીપૂર્વક કે છેતરીને કઢાવવામાં આવી હતી. પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આ ઝડપાયેલા ઠગો વિરુદ્ધ માત્ર સુરત જ નહીં, પરંતુ દેશભરમાં અલગ-અલગ જગ્યાએ કુલ 73 જેટલી ફરિયાદો પહેલેથી જ નોંધાયેલી છે, જે તેમની કુખ્યાત અપરાધિક પૃષ્ઠભૂમિ દર્શાવે છે.
