ગુજરાતમાં દારૂબંધીના કાયદાને કડક બનાવવા માટે પોલીસ સતત સક્રિય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પ્રોહિબિશનનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ-વિરમગામ હાઇવે પર બાતમીના આધારે બજાણા પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક ટ્રકને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે ટ્રક ભગાડ્યો હતો, પરંતુ પોલીસે ફિલ્મીઢબે તેનો પીછો કરીને ટ્રકને ઝડપી લીધો હતો. પોલીસને જોઈને ચાલક ટ્રક રસ્તા પર જ મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.
રૂ. 1.42 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાય્યો
પોલીસ દ્વારા શંકાસ્પદ ટ્રકની સઘન તલાશી લેવામાં આવતા અંદરનો નજારો જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રકમાંથી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ 34,236 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત આશરે રૂ. 1.02 કરોડ જેટલી થવા જાય છે. દારૂના આ જથ્થા ઉપરાંત ટ્રક અને અન્ય સામાન સહિત કુલ રૂ. 1.42 કરોડથી વધુની મત્તા પોલીસે કબજે કરી છે. ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવતી આ મોડસ ઓપરેન્ડીથી તંત્ર પણ ચોંકી ગયું છે.
