સુરત શહેરમાં નકલી સોનાના દાગીના ગીરવે મૂકી બેંકમાંથી લાખો રૂપિયાની ગોલ્ડ લોન મેળવી છેતરપિંડી આચરતી ટોળકીનો અડાજણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે રીઢા ઠગબાજોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આખા કૌભાંડમાં બેંકના જ અધિકૃત ગોલ્ડ વેલ્યુઅરની મિલીભગત સામે આવતા બેંકિંગ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ખોટા દાગીના અસલી પ્રમાણિત કરાવી મેળવી મોટી લોન

પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, પકડાયેલા આરોપીઓએ બેંકમાંથી લોન પાસ કરાવવા માટે એક મોટો કારસો રચ્યો હતો. તેઓએ લોન લેવા માટે ખોટા અને બનાવટી દાગીના તૈયાર કર્યા હતા અને તેને અસલી સોના તરીકે બેંકમાં રજૂ કર્યા હતા. આ કૌભાંડમાં બેંકના જ વેલ્યુઅરે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આ નકલી દાગીનાને 100 % શુદ્ધ અને અસલી સોનું' હોવાનું ખોટું સર્ટિફિકેટ આપી દીધું હતું. આ સર્ટિફિકેટના આધારે આરોપીઓએ બેંકમાંથી અંદાજે 899400 રૂપિયાની ગોલ્ડ લોન મેળવી લીધી હતી અને રકમ ઉપાડી રફુચક્કર થઈ ગયા હતા.

વ્યાજ ન ભરાતા બેંક ચોંકી

આરોપીઓએ લોન લીધા બાદ લાંબા સમય સુધી તેની રકમ કે વ્યાજ પરત ન ચૂકવતા બેંક મેનેજમેન્ટને શંકા ગઈ હતી. બેંકના અધિકારીઓએ જ્યારે આરોપીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને જણા પોતાના રહેણાંક વિસ્તારમાંથી ગાયબ થઈ ગયા હતા અને સંપર્ક વિહોણા બન્યા હતા. આખરે બેંક દ્વારા ગીરવે મૂકેલા સોનાના દાગીનાની અન્ય લેબમાં કડક તપાસ કરાવવામાં આવતા તમામ દાગીના નકલી અને પિત્તળના હોવાનું સામે આવ્યું હતું. આ મામલે બેંક દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે છટકું ગોઠવી બંને આરોપીઓને દબોચી લીધા છે અને વેલ્યુઅરની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : ગુજરાતમાં નબળા ચોમાસાની આશંકા, પાકને બચાવવા વાંચો લાઈફ સેવિંગ ગોલ્ડન ગાઈડલાઈન