હીરાનગરી સુરતમાં કરોડો રૂપિયાના હીરાની છેતરપિંડી કરીને છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવામાં વરાછા પોલીસને સફળતા મળી છે. વેચવાના બહાને કરોડોના હીરા પચાવી પાડનાર આરોપી પિયુષ દુધાત્રાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વેચવાના બહાને રૂપિયા 1.17 કરોડની કિંમતનો હીરો મેળવ્યો 

મળતી માહિતી મુજબ, આરોપી પિયુષભાઈ દુધાત્રાએ ફરિયાદી પાસેથી વેચવાના બહાને રૂપિયા 1.17 કરોડની કિંમતનો હીરો મેળવ્યો હતો. હીરો લીધા બાદ આરોપી તે રકમ કે હીરો પરત આપવાને બદલે રાતોરાત ફરાર થઈ ગયો હતો. 

ફોન સ્વીચઓફ કરીને ફરાર 

એટલું જ નહીં, તેણે પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો અને ફરિયાદી સાથેનો તમામ સંપર્ક તોડી નાખ્યો હતો. આ મામલે છેતરાયેલા વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરાર પિયુષને ઝડપી લીધો

ગુન્હો નોંધાયા બાદ આરોપી સતત એક વર્ષથી પોલીસને ચકમો આપીને નાસતો ફરતો હતો. જોકે, વરાછા પોલીસની ટીમે ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વોચ ગોઠવીને ફરાર આરોપી પિયુષ દુધાત્રાની અટકાયત કરી છે. પોલીસે આરોપી સામે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે અને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ હાથ ધરી છે. 


આ પણ વાંચો  :  Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત