આફ્રિકન દેશ માલીમાંથી સુરતના એક ટોચના હીરા વેપારીના અપહરણના અહેવાલોએ આંતરરાષ્ટ્રીય હીરા બજારમાં ભારે સનસનાટી મચાવી દીધી હતી. સુરતના જાણીતા 75 વર્ષીય ડાયમંડ કિંગ ધીરુભાઈ રામાણીનું આફ્રિકામાંથી આતંકી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા કટ્ટરપંથીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે, લાંબી મંત્રણા અને કરોડો રૂપિયાની મસમોટી રકમ ચૂકવ્યા બાદ આખરે તેઓ સુરક્ષિત રીતે મુક્ત થતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
ત્રણ ભારતીયોનું આશરે ત્રણ મહિના પહેલાં અપહરણ કરાયું
મળતી વિગતો અનુસાર, ધીરુભાઈ રામણી અને તેમની સાથેના એક રસોઈયા તથા ઇલેક્ટ્રિશિયન સહિત કુલ ત્રણ ભારતીયોનું આશરે ત્રણ મહિના પહેલાં અપહરણ કરાયું હતું. આ ગુના પાછળ કોઈ સ્થાનિક ગુનેગાર નહીં પણ વૈશ્વિક આતંકી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલું એક કટ્ટરપંથી જૂથ સક્રિય હતું.
100 કરોડ રૂપિયાની ભારેખમ ખંડણી માંગી
અપહરણકારોએ ત્રણેય બંધકોને છોડવાના બદલામાં 100 કરોડ રૂપિયાની ભારેખમ ખંડણી માંગી હતી. આ દરમિયાન આતંકીઓએ પરિવાર સાથે વીડિયો કોલ કરાવીને તેઓ સુરક્ષિત હોવાનો પુરાવો પણ આપ્યો હતો. લાંબી ખેંચતાણ બાદ અંદાજે 4 મિલિયન યુરો (અંદાજિત 44 થી 60 કરોડ રૂપિયા) ની તોતિંગ રકમ ચૂકવીને ધીરુભાઈનો છુટકારો કરાવવામાં આવ્યો છે.

રામાણી પરિવાર આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા ઉદ્યોગમાં ખૂબ મોટું અને સન્માનજનક નામ
ઉલ્લેખનીય છે કે, રામાણી પરિવાર આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા ઉદ્યોગમાં ખૂબ મોટું અને સન્માનજનક નામ ધરાવે છે. તેઓ છેલ્લા બે વર્ષથી આફ્રિકામાં સ્થાયી થયા હતા. ન્યૂયોર્ક સિટીમાં તેમની ‘રામાણી એક્સપોર્ટ’ નામની જાણીતી પેઢી, ડાયમંડ ફેક્ટરી અને સીબીડી ડાયમંડના લક્ઝુરિયસ શો રૂમ્સ આવેલા છે. તેમના પુત્રો અમેરિકન સિટિઝન છે અને સુરતમાં પણ તેમનું બહુ મોટું વ્યાપારિક નેટવર્ક છે. આ ઘટનાને પગલે વિદેશમાં વ્યાપાર કરતા ગુજરાતી ઉદ્યોગપતિઓની સુરક્ષાને લઈને ચિંતાના વાદળો ઘેરાયા હતા, પરંતુ ધીરુભાઈ મુક્ત થતાં સુરતના ડાયમંડ એસોસિએશન અને વ્યાપારી આલમમાં ખુશીનો માહોલ છે.
આવ પણ વાંચો : Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!