સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક નવદંપતીએ પોતાની પ્રથમ મેરેજ એનિવર્સરી ઉજવ્યાના બીજા જ દિવસે રહસ્યમય સંજોગોમાં દમ તોડી દીધો છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. દંપતીના આ ક્રૂર અંતને લઈને હાલ પંથકમાં અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.

અભય કાતરિયા અને તેમની પત્ની દિશા કાતરિયાના રહસ્યમય મોત

મળતી માહિતી મુજબ, કતારગામ વિસ્તારમાં રહેતા અભય કાતરિયા અને તેમની પત્ની દિશા કાતરિયાના રહસ્યમય મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. 

બંનેના મૃતદેહ મળી આવતા ઘટના વધુ શંકાસ્પદ બની

તપાસ દરમિયાન પતિ અભય પંખા પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે પત્ની દિશા જમીન પર ચાદર ઓઢેલી હાલતમાં મૃત મળી આવી હતી. એક જ રૂમમાંથી બંનેની આ હાલતમાં મૃતદેહ મળી આવતા ઘટના વધુ શંકાસ્પદ બની છે. 

દિશા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી

આ નવદંપતી પૈકી દિશા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી અને તે તેના માતા-પિતાની એકની એક દીકરી હતી. જ્યારે મૃતક અભયના માતા-પિતા પ્રાઈવેટ સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

પોલીસે ઉંડી તપાસ શરુ કરી

આ ઘટના આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ, તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. કતારગામ પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. એફએસએલની મદદ લઈને પણ મોતનું સાચું કારણ જાણવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પ્રથમ એનિવર્સરીની ખુશીઓ સેલિબ્રેટ કર્યાના ગણતરીના કલાકોમાં જ આખા ઘરના દીવડા ઓલવાઈ જતાં સ્થાનિકો પણ સ્તબ્ધ થઈ ગયા છે. 


 આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : અવકાશમાં નવા ભારતની ગર્જના, 'વિક્રમ-1'એ લખ્યો નવો ઇતિહાસ, બધું જ વાંચી લો એક જ ક્લિકમાં..