સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલા પોશ અને વીઆઈપી ગણાતા 'અવધ સાંગ્રીલા' સોસાયટીના એક બંગલામાં ચાલી રહેલા હાઈપ્રોફાઈલ જુગારધામ પર સુરત એલસીબી (Local Crime Branch) ની ટીમે દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. પોલીસને મળી બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડામાં સ્થળ પરથી જુગાર રમતા 11 જેટલા હાઈપ્રોફાઈલ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારના બુકીઓ અને અસમાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

કુલ રૂ. 56.20 લાખનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન પોલીસે બંગલા પરિસરમાંથી રૂ. 8 લાખથી વધુની રોકડ રકમ કબજે કરી છે. આ ઉપરાંત જુગાર રમવા આવેલા નબીરાઓની 5 જેટલી મોંઘીદાટ લક્ઝુરિયસ કાર, મોબાઇલ ફોન અને જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ. 56.20 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આટલી મોટી રકમ અને લક્ઝરી વાહનો મળી આવતાં આ જુગારધામ છેલ્લા ઘણા સમયથી મોટા પાયે ચાલતું હોવાનું સામે આવ્યું છે.

ઘરમાલિક ગોરધન સરવૈયાને વોન્ટેડ જાહેર કરાયા

સુરત એલસીબીની તપાસમાં સામે આવ્યું છે કે આ જુગારધામ બંગલાના માલિક ગોરધન સરવૈયા દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસે આ મામલે બંગલાના માલિક ગોરધન સરવૈયાને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલા તમામ 11 આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં સ્થાનિક કક્ષાએ ચાલતા અન્ય અડ્ડાઓ અંગે પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચો : Dang News : આહવા-વઘઈ રોડ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, કાર રેલિંગ તોડી ખાપરી નદીમાં ખાબકતાં બેના મોત