પ્રેમમાં આંધળી બનેલી એક માતાએ પોતાના જ કાળજાના ટુકડા સમાન 5 વર્ષના નિર્દોષ પુત્રને તરછોડી દેવાની હૃદયદ્રાવક ઘટના સુરતના વરાછા વિસ્તારમાંથી સામે આવી છે. પ્રેમીના પરિવારે બાળકની જવાબદારી સ્વીકારવાની ના પાડતા, આ નિષ્ઠુર જનેતાએ પોતાના જ દીકરાને વરાછા ગાર્ડનમાં એકલો રઝળતો છોડી દીધો હતો.
ગુમ થયાની નાટકબાજી કરી ખોટી ફરિયાદ નોંધાવી
આટલું જ નહીં, પોતાના પાપ પર પડદો પાડવા માટે મહિલાએ 8 મહિના પછી બાળક ગુમ થયાની નાટકબાજી કરી ખોટી ફરિયાદ નોંધાવી હતી. જોકે, વરાછા પોલીસની કડક પૂછપરછ અને આગવી સ્ટાઈલ સામે માતા ભાંગી પડી હતી અને સમગ્ર પાપ બહાર આવી ગયું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ ખોટી ફરિયાદ કરનાર કળિયુગી માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે.
પહેલા પતિ સાથે છૂટાછેડા થયા હતા
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, મહિલાના પહેલા પતિ સાથે છૂટાછેડા થયા હતા અને આ બાળક તેના પહેલા પતિ થકી જન્મેલો દીકરો હતો. પહેલા પતિના ત્રાસ અને મારઝૂડથી કંટાળીને મહિલા અન્ય એક યુવકના પ્રેમમાં પડી હતી. તે બંને સાથે રહેવા માંગતા હતા.
પ્રેમીના માતા-પિતા આ 5 વર્ષના બાળકનો સ્વીકાર કરવા તૈયાર નહોતા
જો કે પ્રેમીના માતા-પિતા આ 5 વર્ષના બાળકનો સ્વીકાર કરવા તૈયાર નહોતા. પ્રેમમાં અંધ બનેલી મહિલાએ પોતાના જ સગા દીકરાને કાંટો સમજીને વરાછાના એક જાહેર બગીચામાં રડતો મૂકી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.
માસૂમ બાળક વરાછા પોલીસને મળ્યો હતો
આ ઘટના 8 મહિના પહેલાં બની હતી, ત્યારે બગીચામાંથી એકલો મળી આવેલો આ માસૂમ બાળક વરાછા પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે તે સમયે બાળકના વાલીવારસોની ઘણી શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પતો ન મળતા આખરે તેને સરકારી બાળગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો.
જનેતાના જૂઠાણાના તમામ પત્તા વિખેરાઈ ગયા
દરમિયાન, સમાજ અને કાયદાથી બચવા માટે મહિલાએ 8 મહિના પછી વરાછા પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થયો હોવાની ખોટી કથા ઘડી કાઢી હતી. પરંતુ પોલીસે જ્યારે ઝીણવટભરી તપાસ અને કડકાઈથી પૂછપરછ શરૂ કરી, ત્યારે જનેતાના જૂઠાણાના તમામ પત્તા વિખેરાઈ ગયા હતા. પોલીસે બાળકને તરછોડવા અને કાયદાની ગેરમાર્ગે દોરવા બદલ કળિયુગી માતા અને તેના પ્રેમી બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
આ પણ વાંચો : Ahmedabad: પ્યાર કી કોઈ ઉંમર નહીં, 61 વર્ષીય પત્નીને પ્રેમ થતાં પુરાવા ભેગા કરવા પતિ પોતે જ બન્યો ‘જાસૂસ’!