સુરતના નાનપુરા વિસ્તારમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર ઊભેલી કારમાં પાછળની સીટ પર બેઠેલી મહિલાએ અચાનક દરવાજો ખોલી દેતાં મોપેડ સવાર 56 વર્ષીય વેપારી તેની સાથે અથડાયા હતા. અકસ્માતમાં વેપારી મોપેડ પરથી ઉછળીને રસ્તા પર પટકાતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

નોનવેજનો વેપાર કરતા હતા

મૃતકની ઓળખ મોહમ્મદ અમીન ઉસ્માનગણી શેખ, ઉંમર 56 વર્ષ, તરીકે થઈ છે. તેઓ નાનપુરા વિસ્તારમાં નોનવેજનો વેપાર કરતા હતા અને એક પુત્ર તથા બે પુત્રી સહિત પરિવાર સાથે રહેતા હતા. અકસ્માત બાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

દુકાને જતી વખતે બની ઘટના

મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરના સમયે મોહમ્મદ અમીન મોપેડ લઈને પોતાની દુકાને જવા નીકળ્યા હતા. તેઓ નાનપુરા રંગઉપવન મલ્ટીલેવલ પાર્કિંગ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે રસ્તા પર એક કાર ઊભી હતી.

અચાનક ખૂલ્યો કારનો દરવાજો

કારની પાછળની સીટ પર બેઠેલી મહિલાએ અચાનક દરવાજો ખોલી દીધો હતો. તે સમયે મોપેડ પર પસાર થઈ રહેલા મોહમ્મદ અમીન દરવાજા સાથે અથડાયા હતા. ટક્કર એટલી ગંભીર હતી કે તેઓ મોપેડ પરથી ઉછળીને સીધા રસ્તા પર પટકાયા હતા.

CCTVમાં કેદ થઈ આખી ઘટના

અકસ્માતની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. CCTV ફૂટેજમાં કારનો દરવાજો અચાનક ખૂલ્યા બાદ મોપેડ સવાર તેની સાથે અથડાતા હોવાનું જોવા મળે છે. માથામાં ગંભીર ઈજા થતાં વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

એક ક્ષણની બેદરકારી, પરિવારનો સહારો છીનવાયો

રસ્તા પર વાહન ઊભું હોય ત્યારે દરવાજો ખોલતા પહેલાં પાછળથી આવતા વાહનો અંગે સાવચેતી રાખવી કેટલી જરૂરી છે, તે આ ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે. એક ક્ષણની બેદરકારીના કારણે એક પરિવારનો આધાર છીનવાઈ ગયો છે. 


આ પણ વાંચો  :   Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video