સુરતના રાંદેર વિસ્તારમાં એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય માસૂમ કિશોરે માતાના સામાન્ય ઠપકાથી મન પર માઠું લગાડીને આપઘાત કરી લીધો છે. ઘરમાં ભાઈ-બહેન બંને સાથે મળીને મસ્તી કરી રહ્યા હતા, તે દરમિયાન માતાએ તેમને મસ્તી કરવાની ના પાડી ઠપકો આપ્યો હતો. માતાની આ વાતે કિશોરને ભારે આઘાત લાગતા તેણે ક્ષણિક આવેશમાં આવીને આત્યંતિક પગલું ભરી લીધું હતું.

દાદરની ગ્રીલ પર ગળે ફાંસો ખાધો

માતાના ઠપકા બાદ આવેશમાં આવેલા કિશોરે ઘરના દાદર (સીડી)ની ગ્રીલ સાથે ગળે ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. થોડી વાર બાદ જ્યારે પરિવારજનોની નજર બાળક પર પડી ત્યારે તેને ફાંસો ખાધેલી હાલતમાં જોઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. માસૂમ દીકરાના અચાનક આ રીતે વિદાય લેવાથી સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

રાંદેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આ અરેરાટીભરી ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા જ રાંદેર પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. સમગ્ર મામલે રાંદેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ નાની વયના બાળકોમાં વધતા જતા આવેશ અને માનસિક સંવેદનશીલતા બાબતે સમાજ સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.

આ પણ વાંચો : Rajkot News : ખાખીના કડક સુરક્ષાચક્ર વચ્ચે ઘેલું થવા તૈયાર રાજકોટ, કાલથી વાગશે સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળાનો ધમાકેદાર ઢોલ!