સુરતમાં રેસીડન્ટ તબીબ ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં એક અત્યંત ગંભીર અને સનસનાટીભર્યો વળાંક આવ્યો છે. આ કિસ્સામાં મૃતક ડૉક્ટરને માનસિક અને શારીરિક રીતે ગોંધી રાખીને ક્રૂર ટોર્ચર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારી દ્વારા પોતે આગળ આવીને આ અંગે પોલીસ સમક્ષ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ડૉ. દીક્ષિતા, ડૉ. નિરાલી, ડૉ. અનુજ અને ડૉ. હિના સામે રેગિંગની ફરિયાદ

આ કેસમાં ખટોદરા પોલીસ મથકે રેગિંગ અને દુષ્પ્રેરણની કડક કલમો હેઠળ ચાર તબીબો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ડૉ. દીક્ષિતા, ડૉ. નિરાલી, ડૉ. અનુજ અને ડૉ. હિનાનો સમાવેશ થાય છે. આ સિનિયર ડોક્ટરો દ્વારા ડૉ. હર્ષ પંડ્યા પર સતત માનસિક દબાણ બનાવીને અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે.

ખટોદરા પોલીસે તપાસ તેજ કરી

અકસ્માતે મોતની પ્રાથમિક નોંધણી બાદ હવે આ મામલે વધુ એક નવી અને કડક ફરિયાદ નોંધાય તેવી પૂરતી શક્યતાઓ વર્તાઈ રહી છે. ખટોદરા પોલીસે ચારેય આરોપી તબીબો સામે ગુનો નોંધી તેમની પૂછપરછ અને ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં અન્ય કોઈ વિદ્યાર્થી સાથે આવું રેગિંગ થતું હતું કે કેમ તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Gandhinagar News : Instagram પર ફેક કંપની બનાવી રૂ. 2.53 કરોડની ઠગાઈ, 2 આરોપી ઝડપાયા