દિવાળીના તહેવારોમાં ગુજરાતમાં લવાતા વિદેશી દારૂના મોટા જથ્થાને સ્ટેટ મોનિટરિંગ સેલે સુરત નજીક ઝડપી પાડ્યો છે. SMCની ટીમે નેશનલ હાઈવે 48 પર પાલોદ પાસે હોટલ ઈન સામેથી રૂ. 24.45 લાખની કિંમતનો દારૂ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓ ઝડપાયા છે અને પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
SMCની ટીમે સપાટો બોલાવ્યો
દિવાળીના તહેવારો નજીક આવતા જ બુટલેગરો દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવાની પેરવી કરવામાં આવી રહી હતી. તહેવારો ટાણે સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMCની ટીમે બાતમીના આધારે મોટો સપાટો બોલાવ્યો છે.
હોટલ ઈન સામે શંકાસ્પદ વાહનોનું ચેકિંગ
SMCની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર કડક વોચ ગોઠવી દીધી હતી. આ વોચ દરમિયાન પાલોદ નજીક આવેલી હોટલ ઈન સામે શંકાસ્પદ વાહનોને રોકવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને બંને વાહનોની તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. વાહનોની તલાશી લેતા તેમાંથી છુપાવીને રખાયેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાઈ ગયો હતો.
દારૂની કુલ 6,651 બોટલો જપ્ત
SMCની ટીમે સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 6,651 બોટલો જપ્ત કરી લીધી છે. ઝડપાયેલા આ વિદેશી દારૂના જથ્થાની કિંમત રૂ. 24.45 લાખ આંકવામાં આવી છે. પોલીસે દારૂની ગેરકાયદે હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા બે વાહનો પણ કબજે કર્યા છે. આ સાથે આરોપીઓ પાસેથી ઉપયોગમાં લેવાતા બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
કુલ રૂ. 42.56 લાખનો મુદ્દામાલ કબજે
વાહનોમાંથી તપાસ દરમિયાન રોકડ રકમ પણ મળી આવતા તે કબજે લેવાઈ હતી. આમ, વિદેશી દારૂ, બે વાહનો, બે મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ. 42.56 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. દિવાળી પૂર્વે આટલો મોટો મુદ્દામાલ પકડાતા બુટલેગરોની ગણતરી ઊંધી વળી ગઈ છે.
ઘટનાસ્થળેથી બે બુટલેગરોને ઝડપી લેવાયા
આ સમગ્ર ઓપરેશન દરમિયાન SMCએ ઘટનાસ્થળેથી બે બુટલેગરોને ઝડપી લીધા છે. ઝડપાયેલા બંને આરોપીઓની અટકાયત કરીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ગેરકાયદે નેટવર્કમાં સંડોવાયેલા અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતા ચકચાર
ફરાર પાંચેય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ બનાવી છે. દિવાળી ટાણે સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સુરત નેશનલ હાઈવે પરથી આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતા ચકચાર મચી છે. આ મામલે SMC દ્વારા કાયદેસરની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Mumbai: ભવિષ્યમાં કોઈ વિરોધ પ્રદર્શનમાં નહીં જોડાઉ, ઇમરાન ખાનની કોર્ટમાં ખાતરી