સુરતના પાંડેસરા વિસ્તારમાં ડિગ્રી વિના ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા હોવાના આક્ષેપસર સુરત SOG પોલીસે 8 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. પોલીસે વિવિધ સ્થળોએ કાર્યવાહી કરી દવાઓ, ઇન્જેક્શન અને સિરપ સહિત કુલ રૂ.98,825નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ડિગ્રી વિના ક્લિનિક ચલાવતા હોવાનો આક્ષેપ

પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા તમામ શખ્સો જરૂરી તબીબી ડિગ્રી અને લાયકાત વિના ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા હતા. આ મામલે SOG પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દવા-ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન પોલીસને વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન અને સિરપ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.98,825નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ કેટલા સમયથી ગેરકાયદેસર રીતે સારવાર કરતા હતા અને કેટલા દર્દીઓની સારવાર કરી હતી તે અંગે તપાસ ચાલી રહી છે.

એક આરોપી સામે અગાઉ પણ ગંભીર આક્ષેપ

આ કેસમાં ઝડપાયેલા પાર્થ કાલીભદ્ર દેવનાથ અગાઉ ‘સ્વસ્તિક ક્લિનિક’ના નામે દવાખાનું ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આશરે એક મહિના પહેલા પાંડેસરા વિસ્તારમાં અભિષેક બલરામ સિંહ નામના દર્દીની સારવાર કરવામાં આવી હતી. સારવાર દરમિયાન બેદરકારીના કારણે દર્દીનું મોત થયું હોવાના પરિવારજનોના આક્ષેપ બાદ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવી હતી.

પોલીસ તપાસ યથાવત

હાલ આ મોતના મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે. બોગસ તબીબો સામેની કાર્યવાહી અને અગાઉના દર્દીના મોત વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે તપાસ બાદ સ્પષ્ટ થશે.  


આ પણ વાંચો :    Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત