સુરતના પાંડેસરા વિસ્તારમાં 35 વર્ષીય નિશા વિશ્વકર્માએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, પતિ સાથે સામાન્ય ઝઘડો થયા બાદ પતિ ઘરની બહાર ગયા હતા. આ દરમિયાન મહિલાએ બાળકોને બહાર મોકલી દીધા હતા. ત્યારબાદ ઘરમાં બનેલી ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

પતિએ દરવાજો તોડી મદદ બોલાવી

મૃતક નિશા વિશ્વકર્માના પતિ રવિ વિશ્વકર્મા છેલ્લા 12 વર્ષથી સુરતમાં રહીને કારપેન્ટર તરીકે કામ કરે છે. ઘટનાના સમયે તેઓ ઘરની બહાર ગયા હોવાનું જાણવા મળ્યું છે. પરત ફર્યા બાદ પત્ની તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં તેમણે દરવાજો તોડ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડાયો

ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. મહિલાના મૃતદેહને વધુ કાર્યવાહી માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈને કાયદેસરની તપાસ શરૂ કરી છે.

ઘટનાના સંજોગોની તપાસ

મહિલાએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું અને ઘટના પાછળના કારણો શું હતાં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ આ મામલે વધુ વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી છે. 


આ પણ વાંચો :    Kulgam: કુલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર કમાન્ડર લતીફ ભટ એન્કાઉન્ટરમાં ઠાર