સુરત જિલ્લાના કિમ વિસ્તારમાં એક મહિલાના ઘરમાંથી થયેલી લાખો રૂપિયાની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલવામાં સુરત જિલ્લા પોલીસને મોટી સફળતા સાંપડી છે. પોલીસે આકરી મહેનત અને સઘન તપાસના અંતે ચોરીમાં ગયેલા રૂ.14.28 લાખ રોકડા રિકવર કર્યા છે. ચોરાયેલી આ માતબર રકમ હર્ષ સંઘવીના હસ્તે પીડિત મહિલાને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવી હતી.
CCTV કેમેરા ચકાસી મહારાષ્ટ્રથી આરોપીને ઝડપી પાડ્યો
ઘટનાની વિગત મુજબ, કિમ વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી. આ ચોરાયેલી રકમ મહિલાની આખી જિંદગીની મહેનતની એકત્રિત કરેલી મૂડી હોવાથી તેના પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાની ગંભીરતા જોઈ સુરત જિલ્લા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે વિસ્તારના સેંકડો CCTV ફુટેજ ચકાસીને ચોરનો પીછો કર્યો હતો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રમાંથી આરોપીને ઝડપી પાડી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.
