રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ અને યુવાનોના કૌશલ્ય વર્ધન માટે એક અત્યંત મહત્વની જાહેરાત કરી છે. જિલ્લાના ઉદ્યોગોને સરળતાથી અને સ્થાનિક સ્તરે જ તાલીમબદ્ધ (સ્કીલ્ડ) મેનપાવર મળી રહે તે હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત પહેલ અંતર્ગત 'PM-SETU' યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ વલસાડ જિલ્લાની 5 આઈટીઆઈ (ITI)ને રૂ. 240 કરોડના જંગી ખર્ચે અત્યાધુનિક અને હાઈટેક બનાવવામાં આવશે.
રૂ. 240 કરોડનું ફંડિંગ મોડલ: કેન્દ્ર, રાજ્ય અને ઉદ્યોગોની સહભાગીદારી
આ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલા રૂ.240 કરોડના બજેટમાં નાણાકીય યોગદાનનું સુગ્રથિત માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકાર રૂ.120 કરોડ, રાજ્ય સરકાર રૂ.80 કરોડ અને સ્થાનિક ઉદ્યોગો રૂ.40 કરોડનું સક્રિય યોગદાન આપશે. આ ત્રિવેણી સહયોગથી વલસાડની ITIઓમાં અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેટેસ્ટ મશીનરી અને હાઈટેક લેબોરેટરીઓ સ્થાપવામાં આવશે.
