સુરત શહેરમાંથી એક સંવેદનશીલ ઘટના સામે આવી છે, જ્યાં અભ્યાસ અને ભણવા બાબતે માતા દ્વારા આપવામાં આવેલા સામાન્ય ઠપકાથી માઠું લગાવીને ધોરણ-8 માં અભ્યાસ કરતો એક કિશોર અચાનક ઘર છોડીને ચાલ્યો ગયો હતો. પરિવારના સભ્યો જ્યારે બાળકને ઘરે ન જોતા ચિંતામાં મુકાયા હતા અને આસપાસ તેમજ સગા-સંબંધીઓમાં તપાસ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
વરાછા પોલીસે સીસીટીવી અને લોકેશનથી શરૂ કરી તપાસ
ઘર છોડીને ચાલ્યો ગયેલો આ કિશોર રાત્રે પોતાના જ એક મિત્રના ઘરે જઈને રોકાયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. દરમિયાન પરિવારની ફરિયાદના આધારે હરકતમાં આવેલી વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્વરિત ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસની સઘન અને આધુનિક તપાસના લીધે કિશોરનું લોકેશન ટ્રેસ કરવામાં સફળતા મળી હતી.
