સુરત શહેરમાં મહિલા વકીલ સાથે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવાના ગંભીર અને ચકચારી મામલે અદાલત તરફથી મોટો ચુકાદો સામે આવ્યો છે. આ બળાત્કારના ગુનામાં સંકળાયેલા આરોપી વકીલ રહીમ શેખે ધરપકડથી બચવા માટે કરેલી આગોતરા જામીન અરજીને સુરત કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવતાં હવે ગુનામાં સંકળાયેલા આરોપી વકીલ રહીમ શેખની વિધિવત ધરપકડ કરવાનો પોલીસ માટે માર્ગ સંપૂર્ણપણે મોકળો થઈ ગયો છે.

'રોહન' બનીને લગ્ન કરવાની આપી લાલચ

કેસની મળતી વિગતો અનુસાર, આરોપી રહીમ શેખે પીડિત મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરવાની મોટી-મોટી વાતો કરી હતી. આરોપીએ પીડિતાનો વિશ્વાસ જીતવા માટે એવું વચન પણ આપ્યું હતું કે તે લગ્ન કરવા માટે પોતાનું નામ અને ઓળખ બદલીને 'રોહન' બની જશે. આ પ્રકારે હિન્દુ નામ ધારણ કરી લગ્ન કરવાની ઝાંસીમાં રાખીને આરોપી રહીમ શેખે મહિલા વકીલ સાથે શારીરિક સંબંધો બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં છેતરાયાનો અહેસાસ થતાં પીડિતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

કોર્ટે અરજી ફગાવી ધરપકડનો માર્ગ મોકળો કર્યો

ગંભીર ગુનાની સુનાવણી દરમિયાન સુરત કોર્ટે કેસની ગંભીરતા અને પ્રાથમિક પુરાવાઓને ધ્યાને રાખીને આરોપી રહીમ શેખની આગોતરા જામીન અરજી રદ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આ નીર્ણય બાદ સુરત પોલીસે આરોપી વકીલની અટકાયત કરવા માટે શોધોખોળ અને આગળની કાયદેસરની તજવીજ તેજ કરી દીધી છે. કાયદાના રક્ષક ગણાતા વકીલ દ્વારા જ પોતાના વ્યવસાય સાથે જોડાયેલી મહિલા સાથે આ પ્રકારે છળકપટ કરી દુષ્કર્મ આચરવાના બનાવથી સુરતના વકીલ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : Ahmedabadમાં અખાદ્ય ખોરાક અને ગંદકી સામે AMC લાલઘૂમ! માધુપુરામાંથી 555 કિલો 'રામસન્સ' ઘીનો જથ્થો સીઝ કરાયો