સુરતના સરથાણા વિસ્તારમાં પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા બાદ તેનો બીભત્સ વીડિયો બનાવી વાયરલ કરવાના કથિત મામલે પોલીસે જવેલર્સ સંચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે.
મહિલા અને આરોપી જુના મિત્રો
ફરિયાદ મુજબ, પરિણીત મહિલા અને આરોપી ચેતન સુખડીયા અગાઉથી એકબીજાના મિત્ર હતા. આરોપીએ મહિલા સાથે મૈત્રી કરાર કરીને તેને બ્યુટી પાર્લર બનાવી આપવાની લાલચ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ લાલચના આધારે મહિલાને વિશ્વાસમાં લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મહિલા સાથે દુષ્કર્મનો આરોપ
આરોપીએ મહિલાને પોતાના જવેલર્સ ખાતે બોલાવી હોવાનો આક્ષેપ છે. ત્યાં તેણે મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં, ઘટનાનો વીડિયો પણ બનાવી લેવામાં આવ્યો હોવાનો મહિલાએ ફરિયાદમાં આરોપ મૂક્યો છે.
વીડિયો તેના મિત્રોને બતાવી પોતાની વિકૃત માનસિકતા દર્શાવતો હોવાનો આરોપ
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી આ વીડિયો તેના મિત્રોને બતાવી પોતાની વિકૃત માનસિકતા દર્શાવતો હતો. બાદમાં પરિણીત મહિલાનો બીભત્સ વીડિયો વાયરલ કરવામાં આવતા મહિલાએ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ શરુ કરી
ફરિયાદના આધારે પોલીસે આરોપી ચેતન સુખડીયાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે વીડિયો કેવી રીતે બનાવવામાં આવ્યો, કોને બતાવવામાં આવ્યો અને વાયરલ કરવામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે સહિતના મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે. તપાસ આગળ વધતાં સમગ્ર મામલે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?