ડાયમંડ અને ટેક્સટાઈલ નગરી તરીકે જાણીતા સુરત શહેરમાં હાલમાં રખડતા શ્વાનોનો ત્રાસ માઝા મૂકી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર શ્વાન દ્વારા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. તાજેતરમાં બનેલી ઘટનાઓમાં ખટોદરાના આઝાદનગર, પાંડેસરાના ગોવાલકનગર અને પ્રેમનગર તેમજ ડીંડોલી વિસ્તારમાં શ્વાનોએ આતંક મચાવ્યો છે, જેના કારણે શહેરીજનોમાં વહીવટી તંત્ર સામે રોષ પ્રસર્યો છે.

ડીંડોલીમાં યુવક બન્યો શિકાર

પ્રાપ્ત વિગતો અનુસાર, ખટોદરા વિસ્તારમાં આવેલા આઝાદનગરમાં રમી રહેલા એક નાના બાળક પર શ્વાને અચાનક હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ જ પ્રકારે પાંડેસરાના ગોવાલકનગર અને પ્રેમનગરમાં પણ બાળકો ઘરની બહાર રમી રહ્યા હતા ત્યારે રખડતા શ્વાનોએ તેમને બચકાં ભરીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. માત્ર બાળકો જ નહીં પરંતુ ડીંડોલી વિસ્તારમાં એક યુવક પર પણ શ્વાને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ તમામ ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

રખડતા પ્રાણીઓની સમસ્યા હલ કરવા ઉગ્ર માંગ

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વધી રહેલા શ્વાનોના ઉપદ્રવને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ડરનો માહોલ છે. વાલીઓ પોતાના બાળકોને શાળાએ કે બહાર રમવા મોકલતા પણ ડરી રહ્યા છે. નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC/SMC) દ્વારા રખડતા શ્વાનોની નસબંધી અને તેમને પકડવાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો તંત્ર દ્વારા આ મામલે વહેલી તકે કોઈ કડક અને અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જનઆંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો : Patan News : પોલીસ જીપ સાથે રીલ બનાવી ભારે પડી, રાધનપુરમાં યુવકને સ્ટંટબાજી કરવી મોંઘી સાબિત થઈ