સુરતનું ઉધના ફરી એકવાર લોહીયાળ ગેંગવોર અથવા અંગત અદાવતમાં ધણધણી ઉઠ્યું છે. ઉધનાના અશોક સમ્રાટ નગરમાં મોડી રાત્રિના સમયે ૨૨ વર્ષના વિક્કી ઉર્ફે લક્કી ધનરાજ તાયડે નામના યુવક પર અજાણ્યા તીક્ષ્ણ હથિયારો વડે સરાજાહેર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો વિક્કી પર તૂટી પડ્યા હતા અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં યુવકને જોઈ પોલીસને કટોકટીનો કોલ આપ્યો હતો. ઉધના પોલીસ સ્ટેશનનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
એમેઝોન કર્મી અને પિતા-પુત્રની હત્યાનું કનેક્શન
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અને મૃતકના પરિવારજનોના નિવેદનમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મૃતક વિક્કી એમેઝોન કંપનીમાં ડિલિવરી અથવા ઓપરેશન્સનું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. બરાબર 6 મહિના પહેલાં વિક્કીના પિતા ધનરાજ તાયડેની પણ આવી જ રીતે નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. પિતાની હત્યાના આઘાતમાંથી પરિવાર હજુ બહાર પણ નહોતો આવ્યો ત્યાં જ મોડી રાત્રે પુત્ર વિક્કીની પણ ગેમ રમી નાખવામાં આવી છે. પરિવારજનોએ સીધો આક્ષેપ કર્યો છે કે, વિસ્તારમાં રહેતા જાવેદ નામના શખ્સે જ જૂની અદાવતનો કાયમી નિકાલ લાવવા અથવા પિતાની હત્યા કેસમાં સમાધાન ન કરવા બદલ વિક્કીને નિશાન બનાવી તેની હત્યા કરી છે.
