દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલતા વિરોધ પ્રદર્શનના નામે એક યુવતીના મૃત્યુ અને તેની શ્રદ્ધાંજલિની ખોટી પોસ્ટ અને વીડિયો બનાવી વાયરલ કરનાર વરાછાના ફેશન વીડિયો ક્રિએટરને સાયબર સેલે જેલભેગો કર્યો હતો.ફેસબુક એકાઉન્ટ પર ગત 23 જુલાઈના રોજ એક છોકરીના ફોટો સાથે શ્રદ્ધાંજલિની પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં જંતર મંતર પર થયેલી ઘટના અત્યંત દુ:ખદ અને હૃદયવિદારક છે, ઈશ્વર દિવંગતના આત્માને શાંતિ આપે અને પરિવારને અસહ્ય દુઃખાવો સહન કરવાની શક્તિ આપે, ઓમ શાંતિ એવું લખાણ હતું.
વીડિયો ક્રિએટરને અફવા ફેલાવવી ભારે પડી
સાયબર સેલે આ પોસ્ટ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરતા દિલ્હી પોલીસ તથા સરકારી વધુ ઓથોરાઈઝ ફેક્ટ-ચેક ડોમેઈન દ્વારા આ સમાચાર સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા હોવાનું સામે આવ્યું હતું.ફેસબુક પેજના સંચાલકે કોઈ અધિકૃત ન્યૂઝ પ્લેટફોર્મ ન હોવા છતાં ન્યૂઝ પ્રસારક તરીકેનો સ્વાંગ ધારણ કરી પ્રજાને ગુમરાહ કરી છેતરપિંડી આચરી હતી.લોકોમાં અફવા ફેલાવીને ઉશ્કેરાટ અને વૈમનસ્ય પેદા કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ સાયબર સેલે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી હતી.
