શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શિવશક્તિ જરી ફર્મના માલિક સાથે વિશ્વાસઘાત કરી, લાખોનો મુદ્દામાલ પડાવી લઈ પેમેન્ટ નહીં ચૂકવી રૂ. ૧.૨૨ કરોડની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ સચિન પોલીસ મથકે નોંધાઈ છે. માંગરોળના કારખાનેદારે વિશ્વાસ જીતીને ઓર્ડર આપ્યા બાદ હાથ અધ્ધર કરી લેતા વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે.
વેપારી અમિતભાઈનો વિશ્વાસ જીતી લીધો
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ અમિત નગીનદાસ કાપડિયા સચિન જીઆઈડીસીમાં શિવશક્તિ જરી નામે લેકર ફિલ્મ અને જરી બનાવવાનો વ્યવસાય કરે છે. ગત ફેબ્રુઆરી-૨૦૨૫માં ભરત વિઠ્ઠલભાઈ ફિનાવિયાએ તેમની મુલાકાત લીધી હતી.ભરતભાઈએ પોતાની કંપનીઓ મોટી હોવાનું જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા અને મોટા પાયે લેકર ફિલ્મનો ઓર્ડર આપવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં રૂ. ૧૬.૧૪ લાખ અને ત્યારબાદ રૂ. ૨૧.૧૩ લાખનું પેમેન્ટ સમયસર RTGS મારફતે ચૂકવીને વેપારી અમિતભાઈનો વિશ્વાસ જીતી લીધો હતો.
