ગુજરાતમાં ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર એસીબીએ કલેક્ટર કચેરીના વર્ગ-3ના સસ્પેન્ડેડ નાયબ મામલતદાર જયરાજસિંહ હરપાલસિંહ ઝાલા વિરુદ્ધ આવક કરતાં વધુ અપ્રમાણસર મિલકત વસાવવા અંગેનો ગુનો નોંધી કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે. એસીબીની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપી નાયબ મામલતદારે પોતાની કાયદેસરની આવક કરતાં 53.60% વધુ એટલે કે ₹1,34,78,827 ની બેનામી મિલકત પોતાના અને પરિવારજનોના નામે એકત્રિત કરી હતી. આ હાઈપ્રોફાઈલ કેસની ગંભીરતાને જોતાં એસીબીના મુખ્ય નિયામકના માર્ગદર્શન હેઠળ એક ખાસ 'સીટ' ની રચના કરવામાં આવી છે.

EDની તપાસના આધારે ઘટસ્ફોટ 

આ સમગ્ર કાળા કારોબારનો પર્દાફાશ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસના આધારે થયો છે. અગાઉ ED ના ECIR ના આધારે સુરેન્દ્રનગર એસીબીમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ એસીબી દ્વારા 1 એપ્રિલ, 2016 થી 20 ડિસેમ્બર, 2025સુધીના ચેક પિરિયડ દરમિયાન આરોપીની આવક, ખર્ચ અને મિલકતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ ઓડિટ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ ભ્રષ્ટાચારની કમાણીથી પરિવારના સભ્યોના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતોમાં મોટું રોકાણ કર્યું હતું.

આકરી કાર્યવાહીથી ફફડાટ 

આ મામલે 18 જુલાઈ, 2026ના રોજ એસીબીના પીઆઈ ડી.એન. પટેલે સરકાર તરફથી ફરિયાદી બનીને ગુનો નોંધાવ્યો છે. આરોપી જયરાજસિંહ ઝાલા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ ની કલમ ૧૩(૧)(E), ૧૩(૨) તથા સુધારા અધિનિયમ-૨૦૧૮ ની કલમ ૧૩(૧)(B), ૧૩(૨) હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ પી.કે. પટેલ દ્વારા આ કેસની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. એસીબીની આ આકરી કાર્યવાહીથી ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 


 આ પણ વાંચો   :   Ahmedabad Fire: મોતની ફટાકડા ફેક્ટરી, ભીષણ બ્લાસ્ટમાં 10 જીવતા ભૂંજાયા, લાયસન્સ રદ હોવા છતાં કોના આશીર્વાદથી ચાલતું હતું પાપનું સામ્રાજ્ય?, Video