સુરેન્દ્રનગર શહેરમાં રાજકોટ રેન્જ આઈજીની ટીમે દરોડો પાડતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. જોરાવરનગર પાછળના વિસ્તારમાં આવેલા એક પોલીસ કર્મચારીના જ રહેણાંક મકાન પર દરોડો પાડીને શેરબજારમાં રોજેરોજ પ્રકાશિત થતા શેરોના ભાવના આધારે ચાલતા હાઈટેક જુગારના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.પોલીસ કર્મચારી જ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંમેલિત હોવાનું ખુલતાં પોલીસ તંત્રની છબી સામે મોટા સવાલો ઊભા થયા છે.

કુલ રૂપિયા 3,07,000નો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજકોટ રેન્જની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જોરાવરનગર વિસ્તારમાં આવેલા પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઈ રાઠોડના ઘરમાંથી શેરબજારના ભાવ પર આધારિત જુગારધામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે દરોડો પાડતાં માલૂમ પડ્યું હતું કે, પોલીસ કર્મચારી સંજયસિંહ પોતે જ આ આખું નેટવર્ક ચલાવી રહ્યો હતો. અહીં ગ્રાહકો પાસેથી જુગારના સોદાઓ મેળવીને અલગ-અલગ 16 જેટલા બ્રોકરો પાસેથી તે સોદાઓની કપાત કરાવવામાં આવતી હતી. દરોડા દરમિયાન રાજકોટ રેન્જની ટીમે સ્થળ પરથી આ જુગારધામ ચલાવવા માટે વપરાતા 10 લેપટોપ, 29 મોબાઈલ ફોન, 4 પેન ડ્રાઈવ, હિસાબી નોટબુકો, વાઈફાઈ ચાર્જર અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3,07,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કુલ 6 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા

 પોલીસે ઘટનાસ્થળેથી સંજયસિંહ સહિત કુલ 6 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, પોલીસ કર્મચારી હોવાના નાતે પોતાના રહેણાંક મકાનને જ સુરક્ષિત અડ્ડો બનાવીને સમગ્ર નેટવર્ક ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જની ટીમનો આ અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો માનવામાં આવી રહ્યો છે. આ મામલે જોરાવરનગર પોલીસ મથકે મુખ્ય સૂત્રધાર પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડ, સ્થળ પરથી પકડાયેલા શખ્સો તથા કપાત લેનારા 16 બ્રોકરો મળીને કુલ 23 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Vadodara News: ભરૂચ જઈ રહેલી ટ્રેન મુસાફરને છાતીમાં દુઃખાવો ઉપડતાં ટ્રેન રોકવામાં આવી, સારવાર દરમિયાન મોત