સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં એલસીબી (LCB) પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રખાયેલો ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. થાનગઢ ખાતે આવેલા એક સિરામિક કારખાનાની પાછળની ઓરડીમાં મોટો દારૂનો સ્ટોક છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળતાં જ પોલીસે અચાનક રેડ કરી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

1600થી વધુ બોટલ અને બિયરનો જથ્થો જપ્ત

એલસીબી પોલીસની ટીમ દ્વારા ઓરડીમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ઈંગ્લિશ દારૂની નાની-મોટી કુલ 1070 નંગ બોટલો તથા બિયરના 586 નંગ કેન મળી આવ્યા હતા. પોલીસે દારૂ અને બિયર મળીને કુલ રૂ. 2.92 લાખનો મુદ્દામાલ ઘટનાસ્થળેથી જપ્ત કર્યો છે. સિરામિક ઝોનની આડમાં ચાલતા દારૂના આ કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કરીને બુટલેગરોમાં ફફડાટ મચાવી દીધો છે.

આરોપી અજય પરમાર સામે ગુનો દાખલ કરી તપાસ તેજ

પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે આ વિદેશી દારૂનો જથ્થો થાનગઢના જ રહીશ અજય ભલાભાઈ પરમાર નામના શખ્સનો હતો. એલસીબી પોલીસે આ મામલે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ ચક્ર ગતિમાન કર્યાં છે.

આ પણ વાંચો : Junagadh News : માણાવદરમાં ગેસ બાટલાની કાળાબજારીનો વીડિયો વાયરલ, 950નો બાટલો 1250માં!