સાબરકાંઠાના તલોદ વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે નકલી ચલણી નોટો છાપી બજારમાં ફરતી કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. SOGની ટીમે દરોડા પાડીને નકલી નોટો છાપતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે તલોદના કબીર ટેકરી પાસેના એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 200 રૂપિયાના દરની 210 નકલી નોટો કબજે કરી હતી.


તલોદમાં નકલી નોટો છાપવાનું પ્રિન્ટર જપ્ત

આ તમામ નકલી નોટોની કુલ કિંમત રૂપિયા 42,000 થાય છે. આ ઉપરાંત નકલી ચલણી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતું પ્રિન્ટર, લેપટોપ, કલર પ્રિન્ટર, મોબાઈલ ફોન અને કાગળના રીમ સહિતનો અન્ય સરંજામ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે નકલી નોટો અને તેને બનાવવામાં વપરાયેલા સાધનો મળીને કુલ રૂ. 1,02,025નો મુદ્દામાલ કબજે કર્યો છે.

કુલદીપસિંહ અને અજયસિંહ રાજપુતની ધરપકડ

નકલી નોટ છાપવાના આરોપસર પોલીસે કુલદીપસિંહ રાજપુત અને અજયસિંહ રાજપુત નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ બનાવટી ચલણી નોટો છાપીને ક્યાં અને કેવી રીતે બજારમાં વહેતી કરતા હતા તે અંગે SOGની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા SOGની આ સફળ કામગીરીને કારણે નકલી ચલણના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.


  • Follow us on: