અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યાની ઘટના સામે આવ્યા બાદ રાજ્યમાં અનેક વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજે તાપી જિલ્લામાંથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી નાંખનાર ઘટના સામે આવી છે. રાજ્યની શાળાઓમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરે તેવી ઘટના અત્યાર સુધી બની છે. પરંતુ પહેલીવાર એક સ્કૂલમાં એક વિદ્યાર્થીનીએ તેની ખાસ બહેનપણી પર ચાકુથી હુમલો કર્યો હોવાની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે.  

મિત્રતા બાબતે મનદુઃખ ચાલતું હતું

આ અંગે નાયબ જિલ્લા પોલીસ વડા પ્રમોદ નરવડેએ કહ્યું હતું કે, તાપીની એક આશ્રમ શાળામાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ વચ્ચે અગાઉથી મિત્રતા બાબતે મનદુઃખ ચાલતું હતું.શાળાના સમય દરમિયાન બંને વચ્ચે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થઈ હતી.આ વિવાદ દરમિયાન હુમલાખોર તરુણીએ તેની ખાસ બહેનપણી અને સાથે ભણતી તરુણીને બાથરૂમમાં બોલાવી હતી.બાથરૂમમાં ગયા બાદ બંને વચ્ચે ફરી બોલાચાલી થતા મામલો ગરમાયો હતો અને ગુસ્સામાં આવીને હુમલાખોર તરુણીએ પોતાની સાથે રાખેલા ચપ્પુ વડે તરુણી પર ઘાતક હુમલો કરી દીધો હતો. 

હુમલામાં વિદ્યાર્થિની ગંભીર રીતે ઘાયલ થઈ 

આ અચાનક થયેલા હુમલામાં વિદ્યાર્થિની ગંભીર રીતે ઘાયલ થઈ હતી.તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.તેની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે તેને સુરતની હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે.જ્યાં હાલ તેણીની સારવાર ચાલી રહી છે.આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આશ્રમ શાળાના સંચાલકો પાસેથી પ્રાથમિક વિગતો મેળવી પોલીસે તપાસ હાથ ધરી છે.આ મામલે પોલીસે હુમલાખોર તરુણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 

આ પણ વાંચોઃ Morbi News: ખેડૂત આંદોલનના સમર્થનમાં માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખે આપ્યું રાજીનામું