તાપી જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વ્યારા નજીક આવેલા કટાસવાણ ગામની સીમ વિસ્તારમાં મજૂરોથી ભરેલો એક ટેમ્પો અચાનક પલટી મારી ગયો હતો. આ ગંભીર માર્ગ અકસ્માતમાં વાહનમાં સવાર શ્રમિકો રસ્તા પર પટકાતા એક પુરુષ અને બે મહિલાઓ સહિત કુલ 3 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. દિવાળી અને તહેવારોની મોસમ ટાણે જ શ્રમિક પરિવાર પર વજ્રઘાત થવાથી સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

સ્ટિયરિંગ પરથી કાબૂ છૂટતા સર્જાઈ ભયાનક દુર્ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર, આ તમામ મજૂરો ભાત (ડાંગર) કાપવાની મોસમી કામગીરી માટે ખેતરે જઈ રહ્યા હતા. સવારના સુમારે ટેમ્પોમાં બેસીને તેઓ પોતાના કામે જઈ રહ્યા હતા ત્યારે કટાસવાણ ગામની સીમ પાસે પહોંચતા જ અચાનક ચાલકે વાહનના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે પૂરપાટ ઝડપે જતો આ ટેમ્પો રોડની બાજુમાં પલટી ખાઈ ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનમાં સવાર લોકોને સંભળવાનો મોકો પણ મળ્યો નહોતો અને ચીસાચીસ મચી ગઈ હતી.

પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ ગંભીર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 5 થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનોની મદદથી ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ વ્યારા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતકોના શબને પીએમ અર્થે મોકલી આપીને ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Jamnagar News : દિવાળી ટાણે તંત્રની લાલ આંખ, ફટાકડાના સ્ટોલ પર ફાયર અને પોલીસ વિભાગના સઘન દરોડા