દિવાળીના પાવન તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારોમાં ફટાકડાની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. નાગરિકોની સુરક્ષા અને સલામતીને સર્વોપરી રાખીને જામનગર જિલ્લામાં ફટાકડાના સ્ટોલ્સ પર તંત્ર દ્વારા સંયુક્ત ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તહેવારો દરમિયાન શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગની દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ વિભાગ, એસ્ટેટ શાખા અને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમતા ફટાકડાના સ્ટોલ્સ પર ઓચિંતા દરોડા અને તપાસ હાથ ધરવામાં આવી છે, જેના કારણે વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.

સ્ટોલ્સ પર સુરક્ષા સાધનોની ચકાસણી

આ તપાસ દરમિયાન સંયુક્ત ટીમો દ્વારા દરેક ફટાકડાના સ્ટોલ પર જઈને ત્યાં ઉપલબ્ધ સુરક્ષા સાધનો, ફાયર એસ્તિશ્યુશર (અગ્નિશામક યંત્ર), પાણીની વ્યવસ્થા અને સ્ટોલ વચ્ચેનું અંતર વગેરે બાબતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ વેપારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે ફટાકડાના વેચાણ વખતે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. સ્ટોલની આસપાસ જ્વલનશીલ પદાર્થો ન રહે અને આગથી બચવા માટે જરૂરી તમામ તકેદારીના પગલાં સમયસર લેવા માટે વેપારીઓને તાકીદ કરવામાં આવી છે.

નિયમોનું ચુસ્ત પાલન કરવા આદેશ

તંત્ર દ્વારા તમામ વેપારીઓને લાઈસન્સની શરતો અને સુરક્ષાના માપદંડોનું ચુસ્તપણે પાલન કરવા માટે સખત આદેશ આપવામાં આવ્યા છે. જો કોઈ વેપારી નિયમોનો ભંગ કરતા જણાશે તો તેમના સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રના આ પગલાથી શહેરમાં અકસ્માતો નિવારવામાં મદદ મળશે. જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દિવાળીના તહેવારો પૂર્ણ ન થાય ત્યાં સુધી નાગરિકોની જાનમાલની સુરક્ષા માટે આ પ્રકારે ફટાકડા બજારો અને સ્ટોલ્સ પર ચેકિંગની કામગીરી સતત ચાલુ રહેશે.

આ પણ વાંચો : Mehsanaમાં દિવાળી પહેલા ફૂડ વિભાગની મેગા ડ્રાઇવ, 1050 કિલો બિનઆરોગ્યપ્રદ માવો અને શંકાસ્પદ તેલ જપ્ત