દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા અત્યંત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તહેવારો દરમિયાન બજારોમાં મીઠાઈઓ અને ફરસાણની માંગ અચાનક વધી જતી હોય છે, તેનો ગેરલાભ લઈને કેટલાક વેપારીઓ દ્વારા હલકી ગુણવત્તાવાળી અને બિનઆરોગ્યપ્રદ સામગ્રી વેચવામાં આવતી હોય છે. આ બાબતની ગંભીર નોંધ લઈને ફૂડ સેફ્ટી ટીમ દ્વારા વિવિધ ડેરીઓ અને ફરાસણની દુકાનો પર ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 1050 કિલોગ્રામ જેટલો પ્રચંડ જથ્થામાં બિનઆરોગ્યપ્રદ માવો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 180 કિલો શંકાસ્પદ તેલનો જથ્થો પણ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
17 કિલો શંકાસ્પદ ફરસાણ હટાવવાયું
આ ચેકિંગ અભિયાન દરમિયાન ફૂડ વિભાગની ટીમને અનેક જગ્યાએ ગંભીર અનિયમિતતાઓ જોવા મળી હતી. ખાદ્ય સુરક્ષાના ધોરણોનો સરેઆમ ભંગ થતો હોવાથી અધિકારીઓએ ત્વરિત પગલાં ભર્યા હતા. કાર્યવાહી દરમિયાન અંદાજે રૂા. 2,67,000 (બે લાખ સડસઠ હજાર રૂપિયા) ની કિંમતના બિનઆરોગ્યપ્રદ અને વાસી ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ 17 કિલો શંકાસ્પદ ફરસાણનો પણ જનહિતમાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, જેથી તે બજારમાં વેચાણ માટે ન પહોંચી શકે અને નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમાય નહીં.
