દાહોદ શહેરમાં 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી દરમિયાન અચાનક માહોલ વણસતાં દોડધામ મચી ગઈ હતી. ગોધરા રોડ પર આવેલી મુવાલીયા ચોકડી નજીક યોજાયેલા કાર્યક્રમમાં અચાનક બોલાચાલી શરૂ થઈ હતી. ઉજવણીના ઉત્સાહ વચ્ચે બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
DJ વગાડવાના મુદ્દે માથાકૂટ બાદ પથ્થરમારો
આ ઘટનાનું મુખ્ય કારણ DJ વગાડવાની બાબતે થયેલી તુ-તુ-મેં-મેં હોવાનું સામે આવ્યું છે. ડીજે વગાડવા અંગે બે જૂથો કે અસામાજિક તત્વો વચ્ચે સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદ એટલો વધી ગયો કે આમને-સામને આડેધડ પથ્થરમારો શરૂ થઈ ગયો હતો, જેમાં કેટલાય વાહનો અને આસપાસની મિલકતોને નુકસાન પહોંચ્યું હતું.
