વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાનના ઉકળાટ બાદ સાંજ પડતાની સાથે જ પંથકના અનેક ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છૂટાછવાયા ધીમીધારે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. શિનોર તાલુકાના સાધલી, અવાખલ અને સુરાશામળ સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં પડતાં જ ગરમીથી રાહત મળી હતી અને સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી.

સિઝનનો કુલ 28.5 ઈંચ વરસાદ નોંધાયો

શિનોર પંથકમાં મેઘરાજાની ક્રમિક પધરામણી સાથે અત્યાર સુધીમાં સિઝનનો કુલ 28.5 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સમયાંતરે પડી રહેલા આ વરસાદના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહ્યું છે અને પંથકમાં પાણીની સમસ્યા પણ હળવી થઈ છે.

ખરીફ પાકને ફાયદો થતાં ખેડૂતોમાં હરખ

પંથકમાં ખેતીલાયક સારો વરસાદ થવાના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં જમીનમાં વાવેલા કપાસ, ડાંગર સહિતના ખરીફ પાકને આ વરસાદથી મોટો ફાયદો થશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ વરસાદી ઝાપટાં પાક માટે અમૃત સમાન સાબિત થતાં ખેડૂતોના ચહેરા પર ચમક જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Rajkot News : સુરેન્દ્રનગરના થાનની યુવતીનો આપઘાતનો પ્રયાસ, ઝેરી દવા પીતા હોસ્પિટલ ખસેડાઈ