વડોદરા શહેરમાં નશાના સોદાગરો હવે પંકાયેલા વિસ્તારોની બહાર નીકળીને અકોટા અને જેતલપુર જેવા હાઈપ્રોફાઈલ રેસિડેન્શિયલ વિસ્તારોને પોતાનું સેફ હેવન (સુરક્ષિત આશ્રયસ્થાન) બનાવી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે. રાજ્યની સીઆઈડી ક્રાઈમની ટીમને મળેલી ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે અકોટા વિસ્તારમાં જેતલપુર દિનેશ મિલ પાસે આવેલા વૈભવી 'વાત્સલ્ય ફ્લેટ' ના એક બંધ મકાનમાં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ મકાનને લાંબા સમયથી બંધ રાખીને અંદર ડ્રગ્સની હેરાફેરીનું મેગા ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હતું.


બંધ ફ્લેટમાંથી ખુલ્યું મોંઘાદાટ ડ્રગ્સનું નેટવર્ક

સીઆઈડી ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓએ જ્યારે ફ્લેટના દરવાજા ખોલાવીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારે સામાન્ય ગાંજા કરતા 10 ગણો વધુ નશો આપતો અને વિદેશી બિયારણમાંથી તૈયાર કરાતો 'હાઈબ્રિડ ગાંજો' મળી આવ્યો હતો. પ્રિઝર્વેટિવ બેગ્સમાં પેક કરાયેલા આ ગાંજાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લાખો રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ઓપરેશન દરમિયાન એજન્સીએ ડ્રગ્સના મોટા જથ્થા સાથે હિસાબ-કિતાબના દસ્તાવેજો અને મોટી માત્રામાં ડ્રગ મની (રોકડ રકમ) મળીને કુલ 89.69 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને સીલ કર્યો છે.

શાહિદ ખાન પઠાણની શોધખોળ

પ્રાથમિક કડીઓ મેળવતા સીઆઈડી ક્રાઈમને જાણવા મળ્યું છે કે આ કાળા કારોબાર પાછળ શાહિદ ખાન પઠાણ નામના શખ્સની મુખ્ય સંડોવણી છે. શાહિદ ખાન આ ડ્રગ્સ ઓનલાઈન કુરિયર અથવા અન્ય રાજ્યો (જેવા કે મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર) માંથી મંગાવીને વડોદરાની સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓ અને હાઈસોસાયટીના ગ્રાહકોને સપ્લાય કરતો હતો કે કેમ, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. આ જથ્થો કોને ડિલિવર કરવાનો હતો તેના લોકેશન ટ્રેસ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે પણ અમદાવાદ-ગાંધીનગરમાં પારો 42 ડિગ્રી રહેશે

  • Follow us on: