ગુજરાતમાં કાળઝાળ ગરમીથી તોબા પોકારી ઉઠેલી જનતા માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ જામશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર અને કરન્ડાના દરિયાકાંઠાના વિસ્તારોને આવરીને દક્ષિણ ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો તબક્કો વધુ મજબૂત બન્યો છે.


દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની શરૂઆત

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓ એવા બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. જ્યારે, દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી, તાપી, ડાંગ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી 48 કલાક દરમિયાન સારો એવો વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે.

સૌરાષ્ટ્રમાં 16 જૂનથી રાઉન્ડ અને અમદાવાદમાં ગરમી યથાવત

બુલેટિનમાં વધુમાં જણાવાયું છે કે, આગામી 14 થી 16 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ મોટો પલટો આવશે. ખાસ કરીને 16 જૂનના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જે ખેડૂતો માટે વાવણીલાયક સાબિત થઈ શકે છે.બીજી તરફ, વરસાદની આ હેરફેર વચ્ચે પણ મધ્ય ગુજરાત અને અમદાવાદના રહીશોને ગરમી અને બફારામાંથી હાલ તુરંત મોટી રાહત મળવાની નથી. અમદાવાદ સાયન્સ સિટી અને આસપાસના વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જ જળવાઈ રહેશે. હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે નાગરિકોને અસહ્ય ઉકળાટ અને પરસેવો રેબઝેબ કરી મૂકશે. જો કે, જૂનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસું વિધિવત બેસી જતાં સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો ગગડશે.

આ પણ વાંચો: Rajkot: આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે પરિસરમાં ફરતા દેખાયા રખડતા પશુઓ, અકસ્માત થાય તો જવાબદાર કોણ?

  • Follow us on: