રાજકોટ શહેરથી થોડે દૂર હીરાસર ખાતે નિર્માણ પામેલા ભવ્ય ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વહીવટી તંત્રની આખ આડા કાન કરવાની નીતિ ઉઘાડી પાડતા દ્રશ્યો સામે આવ્યા છે. એરપોર્ટ એટલે કે જ્યાં પરિસરમાં તો ઠીક, પણ આસપાસના કિલોમીટરો સુધી પક્ષીઓ પણ ન ઉડે તેની તકેદારી રાખવાની હોય છે, ત્યાં ગાયો અને અન્ય રખડતા ઢોર આરામથી સવારના સમયે લટાર મારતા કેમેરામાં કેદ થયા છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયુવેગે પ્રસારિત થઈ રહ્યો છે, જેને પગલે સોશિયલ મીડિયા યુઝર્સ રાજકોટ એરપોર્ટના મેનેજમેન્ટની આકરી ઝાટકણી કાઢી રહ્યા છે.
અગાઉ પણ બની ચૂકી છે બેદરકારીઓ
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેના ઉદ્ઘાટન બાદથી જ કોઈને કોઈ ટેકનિકલ કે વહીવટી ખામીઓના કારણે સતત વિવાદોમાં રહ્યું છે. અગાઉ અહીં ટર્મિનલની બહાર કેનોપી (છત) નો હિસ્સો તૂટી પડવાનો કે પાણી ભરાઈ જવાનો મામલો ભારે ગાજ્યો હતો. હવે એરપોર્ટની અંદર જ રખડતા પશુઓ મુક્તપણે ફરતા દેખાતા એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર બહુ મોટું પ્રશ્નાર્થચિહ્ન ઉભું થયું છે. સામાન્ય રીતે એરપોર્ટની ફરતે ઊંચી મજબૂત દિવાલો અને તારની વાડ (Fencing) હોય છે, સાથે જ સિક્યોરિટી ગાર્ડ્સ 24 કલાક પેટ્રોલિંગ કરતા હોય છે. તેમ છતાં આ પશુઓ અંદર ઘૂસી ગયા અને તંત્રને ખબર સુદ્ધાં ન પડી તે આશ્ચર્યજનક છે.
હવાઈ મુસાફરોની સુરક્ષા સામે બહુ મોટો પડકાર
એવિએશન ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રનવે પર કે એરપોર્ટ પરિસરમાં રખડતા ઢોરની હાજરી એ અતિ ગંભીર ગુનો અને ફ્લાઇટ સેફ્ટી કટોકટી ગણાય છે. જ્યારે કોઈ પેસેન્જર વિમાન ૧૫૦ થી ૨૫૦ કિમીની સ્પીડથી રનવે પર લેન્ડ થતું હોય અથવા ટેક-ઓફ માટે દોડતું હોય, તે સમયે જો નાનું પ્રાણી કે પશુ પણ આડું આવી જાય તો વિમાન ક્રેશ થઈ શકે છે અને સેંકડો પ્રવાસીઓના જીવ જઈ શકે છે. આ વાયરલ વીડિયો બાદ સ્થાનિક લોકો અને વારંવાર પ્રવાસ કરતા મુસાફરો સવાલ ઉઠાવી રહ્યા છે કે, "જો રખડતા ઢોરના કારણે ભવિષ્યમાં કોઈ મોટી હોનારત કે અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? શું એરપોર્ટ ઓથોરિટી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે?" હાલ આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ છૂટે તેવી સંભાવના સેવાઈ રહી છે.









