સુરત અને તાપી જિલ્લાના ભોળા અને મધ્યમવર્ગીય યુવાનોને નોકરીની લાલચ આપીને સાયબર ગુનાના 'ટૂલ' (સાધન) તરીકે વાપરતી એક અતિ શાતિર આંતરરાજ્ય ગેંગની કડીઓ શોધવામાં દિલ્હી પોલીસને સફળતા મળી છે. નવી દિલ્હીના પાલમ કોલોની વિસ્તારમાં રહેતા એક રોકાણકારને શેરબજાર અને સ્ટોક ટ્રેડિંગમાં મોટો નફો કરાવવાની લાલચ આપી, નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને 4.82 કરોડ પડાવી લેવાયા હતા. આ ગુનાની તપાસ દરમિયાન દિલ્હી સાયબર સેલને જે બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા હતા, તેના લોકેશન દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના હોવાનું જાણવા મળ્યું હતું.


કર્ણાટકમાં 15 દિવસની કથિત ટ્રેનિંગનો માસ્ટરપ્લાન

પોલીસની પ્રાથમિક તપાસમાં આ સ્કેમ પાછળ ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ કેસના મુખ્ય સૂત્રધારે સુરત જિલ્લાના બારડોલી અને તાપી જિલ્લાના સોનગઢના બેરોજગાર યુવાનોનો સંપર્ક કર્યો હતો. તેમને કર્ણાટક ખાતે એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સારી સેલરી વાળી નોકરી અપાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો. આ લાલચમાં આવીને ચારેય યુવાનો કર્ણાટક ગયા હતા. ત્યાં મુખ્ય સૂત્રધારે તેમને જણાવ્યું કે કંપનીના પ્રોટોકોલ મુજબ 15 દિવસની ઓફિશિયલ ટ્રેનિંગ લેવી પડશે અને સેલરી જમા કરાવવા માટે નવી બેંકમાં ખાતા ખોલાવવા પડશે.

ખાતાધારક 4 યુવાનોને દબોચી લીધા

યુવાનોના નામે અલગ-અલગ બેંકોમાં કરન્ટ અને સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યા બાદ, ચાલાક માસ્ટરમાઇન્ડે ટ્રેનિંગના બહાને આ તમામ ખાતાના કંટ્રોલ, નેટ બેંકિંગ આઈડી, પાસવર્ડ અને રજિસ્ટર્ડ સિમ કાર્ડ પોતાની પાસે રાખી લીધા હતા. ત્યારબાદ આ જ મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને દિલ્હીના ભોગ બનનાર વ્યક્તિ પાસેથી ફ્રોડ કરાયેલા 4.82 કરોડ ટુકડે-ટુકડે આ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવીને સગેવગે કરી દેવામાં આવ્યા હતા.

બારડોલીથી દિલ્હી સુધી કાયદાનો સિકંજો

દિલ્હી સાયબર સેલની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે સુરત અને તાપી જિલ્લામાં સ્થાનિક પોલીસની મદદથી દરોડા પાડ્યા હતા અને કૌભાંડમાં વપરાયેલા ખાતાધારક 4 યુવાનોને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી ત્રણ બારડોલી પંથકના અને એક સોનગઢનો હોવાનું ખુલ્યું છે. આ તમામ આરોપીઓને સુરત જિલ્લાની બારડોલી સબ-જેલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે ગુનાના મુખ્ય માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા અને નાણાંની હેરફેરની કડીઓ મેળવવા માટે આરોપીઓની કસ્ટડી માંગી હતી, જેના આધારે નામદાર કોર્ટે 4 આરોપીઓના 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે. દિલ્હી પોલીસ હવે ચારેયને દિલ્હી લઈ ગઈ છે, જ્યાં આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટના મુખ્ય કિંગપિન અને અન્ય ભોગ બનનારાઓ વિશે મોટા ખુલાસા થવાની સંભાવના છે.

આ પણ વાંચો: Rajkot: હિંગળાજનગરમાં વેસ્ટ ઝોન દ્વારા ડિમોલિશનની નોટિસથી સ્થાનિકોમાં રોષ, 15 દિવસમાં જગ્યા ખાલી કરવા આદેશ

  • Follow us on: