રાજકોટ શહેરમાં સરકારી અને મનપા હસ્તકની અબજો રૂપિયાની જમીનોને દબાણ મુક્ત કરવા માટે કમિશનરના આદેશથી એસ્ટેટ અને વિજીલન્સ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કવાયતના ભાગરૂપે રાજકોટ વેસ્ટ ઝોન હેઠળ આવતા સ્માર્ટ અને પોશ વિસ્તાર એવા અમીન માર્ગ પર વર્ષો જૂના દબાણો પર બુલડોઝર ફેરવવાની આખરી નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. હિંગળાજનગરમાં આવેલી કિંમતી સરકારી જમીન પર લાંબા સમયથી ખડકાયેલા અંદાજે 70 જેટલા ઝૂંપડાં અને કાચા બાંધકામો હવે રાજકોટ મહાનગરપાલિકાના રડારમાં આવ્યા છે.
ટૂંક સમયમાં બુલડોઝર ગર્જશે
આગામી દિવસોમાં યોજાનારા મોટા ડિમોલિશનના પ્લાનિંગ માટે રાજકોટ મનપાની એસ્ટેટ શાખા અને કોર્પોરેશનની સ્પેશિયલ વિજીલન્સ પોલીસની ટીમે હિંગળાજનગર પ્લોટની સંયુક્ત મુલાકાત લીધી હતી. સરકારી રેકોર્ડ મુજબ પ્લોટની ચોક્કસ સરહદો નક્કી કરવા માટે ટીમે સ્થળ પર જઈને આખા લોકેશનનું 'ડિમાર્કેશન' (જમીનની માપણી અને સીમાકન) કર્યું હતું. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તંત્ર દ્વારા તમામ 70 ઝૂંપડાધારકોને કાયદેસરની નોટિસ પાઠવીને ૧૫ દિવસમાં પોતાના સામાન સાથે જગ્યા ખાલી કરી દેવા અલ્ટીમેટમ આપી દેવાયું છે. જો મુદત પૂરી થયા બાદ જગ્યા ખાલી નહીં થાય તો મનપા જેસીબી (JCB) મશીનો સાથે ત્રાટકીને દબાણો તોડી પાડશે.










