ગુજરાતમાં સંગઠિત ગુનાખોરી આચરતા તત્વો અને દારૂના કાળા કારોબારીઓ સામે વડોદરા પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારના રતનપુર ગામના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે પપ્પુ જયસ્વાલ અને તેની આખી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ હેઠળ કાયદાનો સકંજો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપલો ચલાવીને કરોડો રૂપિયાનું કાળું સામ્રાજ્ય ઊભું કરનાર આ ગેંગની આશરે 75 કરોડની અપ્રમાણસર મિલકતો વડોદરા પોલીસે શોધી કાઢી છે. આ તમામ મિલકતો કાયદેસર રીતે જપ્ત કરવા માટે પોલીસે રાજ્ય સરકાર સમક્ષ ઔપચારિક દરખાસ્ત મોકલીને મંજૂરી માંગી છે.

લિકર માફિયા રાકેશ જયસ્વાલ સહિત ગેંગના કુલ 5 મુખ્ય આરોપીઓની અગાઉ જ ધરપકડ 

પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, રતનપુરના લિકર માફિયા રાકેશ જયસ્વાલ સહિત ગેંગના કુલ 5 મુખ્ય આરોપીઓની અગાઉ જ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. 

પેટ્રોલ પંપ, જમીન અને દુકાનોનો સમાવેશ

આ ગુનેગારોએ ગેરકાયદેસર કમાણીના નાણાં ક્યાં રોક્યા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી. તપાસ દરમિયાન આરોપીઓની માલિકીના વૈભવી પેટ્રોલ પંપ, પ્રાઇમ લોકેશન પર આવેલી કરોડોની કિંમતી જમીનો અને અનેક વ્યવસાયિક દુકાનો મળી આવી છે.

13 જેટલી અસ્કયામતોની યાદી તૈયાર 

પોલીસે આરોપીઓની આવી કુલ 13 જેટલી અસ્કયામતોની યાદી તૈયાર કરી છે, જે ગુનાહિત પ્રવૃત્તિ અને કાળા નાણાંથી જ વસાવવામાં આવી હોવાના મજબૂત પુરાવા એકત્રિત કરાયા છે.

13 મિલકતો ટાંચમાં લેવા સરકારની મંજૂરી

વડોદરા પોલીસે આ 13 મિલકતો ટાંચમાં લેવા સરકારની મંજૂરી માંગી છે. સરકાર તરફથી લીલી ઝંડી મળતા જ આ 75 કરોડની સંપત્તિ જપ્ત કરી લેવાશે. વડોદરા પોલીસની આ આકરી કાર્યવાહીથી મધ્ય ગુજરાતના તમામ બુટલેગરો અને સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.  


આ પણ વાંચો :  Ahmedabad: પ્યાર કી કોઈ ઉંમર નહીં, 61 વર્ષીય પત્નીને પ્રેમ થતાં પુરાવા ભેગા કરવા પતિ પોતે જ બન્યો ‘જાસૂસ’!