સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં એક પરિવારમાં સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સાસુએ પોતાની જ પુત્રવધૂ પર એસિડ ફેંકીને હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

પુત્રવધુના મોંઢા પર એસિડ એટેક કર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર યુવતીને એલર્જીની ગંભીર સમસ્યા હોવાને કારણે તે બાથરૂમ સાફ કરી શકી ન હતી.આ કારણોસર ઉશ્કેરાયેલી સાસુએ પુત્રવધૂ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને આવેશમાં આવીને વહુના મોં પર એસિડ ફેંકી દીધું હતું.આ હુમલાને કારણે હેલીને મોં તથા શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.તાત્કાલિક ધોરણે તેને સારવાર માટે વડોદરાની પ્રખ્યાત એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે.

દહેજ અને શારીરિક ત્રાસના ગંભીર આરોપો

આ અમાનવીય કૃત્ય બાદ પીડિતા દ્વારા પોતાના સાસરિયાઓ સામે અગાઉથી ચાલતા માનસિક અને શારીરિક ત્રાસના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. પરિવારના જણાવ્યા મુજબ અગાઉથી જ દહેજ મામલે અનેક પ્રકારના ત્રાસ આપવામાં આવતા હતા.આ બનાવ અંગે ભોગ બનનાર પક્ષ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં પતિ પીયૂષ,સાસુ અને નણંદ સહિતના સાસરિયાઓ સામે કાનૂની કાર્યવાહીની માંગ કરાઈ છે.ઘટનાની ગંભીરતાને જોતા ગોરવા પોલીસ સ્ટેશનનો કાફલો ત્વરિત હરકતમાં આવ્યો હતો.પોલીસે ગુનો નોંધીને તુરંત જ કાર્યવાહી હાથ ધરી છે અને આ કેસમાં મુખ્ય આરોપી એવા પતિ પિયુષની ધરપકડ કરી લીધી છે.  

આ પણ વાંચોઃ Banaskantha News : ગુલાબસિંહે કહ્યું કેટલાક લોકો ભાજપ સાથે મળીને સોદા કરે છે હું ખુલાસા કરીશ, જાણો ભાજપે શું કહ્યું?