વડોદરા જિલ્લાના પાદરા પંથકમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે LCB (સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે સઘન વોચ ગોઠવીને પાદરામાંથી દારૂના આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને 2 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
રૂ. 6.44 લાખથી વધુની કિંમતની 464 બોટલ જપ્ત
આ દરોડા દરમિયાન પોલીસને વાહનની તલાશી લેતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 464 બોટલો જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 6.44 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. બુટલેગરો દ્વારા તંત્રની આંખમાં ધૂળ નાખીને આ નશાનો સામાન લાવવામાં આવી રહ્યો હતો.
સ્કોર્પિયો કાર અને મોબાઈલ સહિત કુલ રૂ. 22 લાખનો મુદ્દામાલ જપ્ત
દિવાળી કે તહેવારો અગાઉ દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો દ્વારા સ્કોર્પિયો કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 15 લાખની કિંમતની સ્કોર્પિયો કાર તેમજ 3 નંગ મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે રૂપિયા 22 લાખનો માલસામાન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છ દિવસમાં જિલ્લા LCBના બે મોટા દરોડા અને સ્થાનિક પોલીસ પર સવાલો
તમને જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસમાં જિલ્લા LCB દ્વારા બે મોટા દરોડા કરીને લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. LCBની આ સક્રિય કામગીરી સામે સ્થાનિક પાદરા પોલીસ સ્ટેશનની કામગીરી અને નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે કે સ્થાનિક પોલીસની જાણ બહાર આટલો મોટો દારૂનો જથ્થો કેવી રીતે પ્રવેશી ગયો?
આ પણ વાંચો: Ahmedabad News: વટવામાં ઘરકંકાસનો ખૂની અંત, પતિએ પત્નીનું કાસળ કાઢ્યું!