વડોદરા જિલ્લાના કરજણના બહુચર્ચિત અને ચકચારી સ્વીટી પટેલ મર્ડર કેસમાં વડોદરા સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.કરજણ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઈ.અજય અમૃતભાઈ દેસાઈને પોતાની જ પ્રેમિકા સ્વીટી પટેલની નિર્મમ હત્યા કરવા બદલ દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને 2 લાખનો દંડ ફટકાર્યો છે.હત્યાના પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરનાર રાજકીય આગેવાન કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
વર્ષ 2021નો સમગ્ર મામલો અને કોર્ટનો ચુકાદો
વર્ષ 2021માં ઘટેલી આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવી હતી.તત્કાલીન પી.આઈ.અજય દેસાઈએ પોતાની પરિણીત પ્રેમિકા સ્વીટી પટેલની હત્યા કરી તેના મૃતદેહનો નિકાલ કર્યો હતો.કોર્ટે ચુકાદો આપતા બંને આરોપીઓને કાનૂની કસ્ટડીમાં મોકલવાના આદેશ કર્યા છે. આરોપી પીઆઈને આજીવન કેદની સજા અને બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો દંડ ના ભરે તો વધુ ત્રણ વર્ષની સાદી કેદની સજા પણ ભોગવવી પડશે. આ ઉપરાંત કલમ 201 હેઠળ અલગથી બે વર્ષની સખત કેજ અને એક હજાર રૂપિયાનો દંડ કરાયો છે.
