વડોદરા શહેરમાં ટ્રાફિકની કામગીરી દરમિયાન ફરજ પર રહેલા એક PSI દ્વારા નાગરીકો સાથે દાદાગીરી કરી હોવાની ઘટના સામે આવી હતી. શહેરના સમા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. પોલીસે ચેકિંગના બહાને એક ગાડીને રોકી હતી. આ દરમિયાન ગાડીના ચાલકની દલીલો સામે ટ્રાફિકના પીએસઆઈ ઉશ્કેરાઈ ગયા હતાં અને કાર ચાલકને લાફા માર્યા હતાં. આ સમગ્ર મામલો શહેર પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો અને આખરે તેમને પીએસઆઈ સામે પગલાં લીધા હતાં.
ગાડીના માલિકને જાહેરમાં લાફા ફટકાર્યા
વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગાજરાવાડીથી રણોલી તરફ સામાન લઈને એક ગાડી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ટ્રાફિક પોલીસે આ ગાડીને અટકાવી હતી. પોલીસે ગાડીના ચાલક પાસે ગાડીના કાગળો માંગ્યા હતાં અને નિયમો બાબતે તપાસ શરૂ કરી હતી. પોલીસે ગાડી ડિટેન કરવાની કાર્યવાહી કરતાંની સાથે જ ચાલકે તેના માલિકને ફોન કરીને બોલાવ્યા હતાં. માલિકે ઘટના સ્થળે પહોંચીને પોલીસને ગાડી ડીટેન નહીં કરવા આજીજી કરી હતી. આ દરમિયાન ફરજ પર રહેલા પીએસઆઈ માલીવાડ ઉશ્કેરાઈ ગયા હતાં. તેમણે પોતાની ફરજ મર્યાદા ઓળંગીને ગાડીના માલિકને જાહેરમાં લાફા ફટકાર્યા હતાં.













